ભાજપ સંગઠનની સંરચનાની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે નવા મુરતિયાની પસંદગી થવાનું નિશ્ચિત મનાઇ રહ્યું છે અને આ વખતે ઓબીસી સમાજને મહત્ત્વ આપવામાં આવશે તેમજ તેમાં પણ અત્યાર સુધી જે જ્ઞાતિને હોદ્દો નથી અપાયો તે જ્ઞાતિનો ચહેરો પ્રમુખ પદ પર આવી શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વર્તમાન પ્રમુખ રિપીટ થવાની પ્રબળ શક્યતા છે અને જો તેમને બદલાવાશે તો પણ પાટીદારને જ આ પદ મળશે તે નિશ્ચિત છે.
રાજકોટ શહેરના 18 વોર્ડના પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા ભાજપે શરૂ કરી દીધી છે. વોર્ડ પ્રમુખ નક્કી થયા બાદ શહેર પ્રમુખ અને રાજકોટ જિલ્લા પ્રમુખ માટેની કવાયત શરૂ થશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે 1981થી પટેલ, વણિક, બ્રાહ્મણ અને લોહાણા સમાજને જ સ્થાન મળ્યું છે. 1981થી 87 સુધી જીતુ શાહ, 87થી 91 સુધી ગોવિંદ પટેલ, 91થી 96 સુધી કમલેશ જોષીપુરા, 96થી 99 સુધી રમેશ રૂપાપરા પ્રમુખ પદે રહ્યા હતા. 99થી 2001 સુધી ફરીથી જીતુ શાહ, 01થી 03 સુધી પ્રતાપ કોટક, 03થી 06 સુધી ધનસુખ ભંડેરી, 06થી 09 સુધી નીતિન ભારદ્વાજ, 09થી 13 સુધી ફરી ધનસુખ ભંડેરી, 13થી 16 સુધી ભીખા વસોયા, 16થી 20 સુધી કમલેશ મીરાણી, 20માં ફરી મીરાણીને રિપીટ કરાયા હતા અને હાલમાં મુકેશ દોશી પ્રમુખ પદે છે.