રાજકોટ શહેરમાં ટાઉન પ્લાનિંગ શાખાના કટકા કરીને તેને ઝોન મુજબ ભાગ પાડી દેવાયા છે. આ ઉપરાંત નવા નવા પરિપત્રો અને નિયમો બહાર પાડી આંટીઘૂંટી સર્જી દીધી છે. આ આંટીઘૂંટીમાં એક મુદ્દો પ્લોટ વેલિડેશનનો પણ છે. બાંધકામનો પ્લાન મૂકતા પહેલાં પ્લોટ ધારકે પોતાની જમીન ચોખ્ખી છે, તેમાં મનપાનો કોઇ હક નથી અને તે માટે પ્લોટ વેલિડેશન કરાવવું પડે છે. આ પ્લોટ વેલિડેશનની અરજી આવે એટલે તમામ કાગળો જોઈને તેમજ ચતુર્દિશા જોઈને ચારથી પાંચ દિવસમાં સર્વેયર કામ પતાવી દે છે. જોકે હવે પ્લોટ વેલિડેશન કરનાર એ જ સર્વેયર પાસે બાંધકામ, ટી.પી., દબાણ સહિતના કામોનું ભારણ હોવાથી આ કામગીરીમાં દોઢ મહિનો થઈ રહ્યો છે.
જે લોકો પોતાની મૂડીમાંથી પ્લોટ લઈને ઘરનું ઘર બનાવવા માટે રાહ જોઈ રહ્યા છે તેના માટે તો સૌથી પહેલા પ્લોટ વેલિડેશન જ ટી.પી. શાખાના કડવા ઘૂંટની શરૂઆત કરે છે. આ મામલે તપાસ કરતા બહાર આવ્યું છે કે, ટીઆરપી બાદ મ્યુનિસિપલ કમિશનરે ટી.પી. શાખાને ઝોનમાં ફેરવી દીધી પણ તેની જવાબદારી બાંધકામ શાખાના સિટી એન્જિનિયરને આપી દીધી છે.
સ્ટાફ પૂરતો આપ્યો નથી જૂનો સ્ટાફ માત્ર ટી.પી. બનાવવાના કામમાં બેસાડ્યો અને લોકોને ખરેખર જે અનુભવી સ્ટાફની જરૂર છે તેને બદલે નવો સ્ટાફ આપ્યો. સિટી એન્જિનિયરને વડા બનાવી દેવાયા છે. બાંધકામ શાખામાં રોડ-રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધા બાદ હવે બાંધકામ પ્લાન, ડિમોલિશન, ધાર્મિક દબાણો, પ્લોટ વેલિડેશન, ઈમ્પેક્ટની કામગીરીથી કાર્યબોજ ચાર ગણો થયો છે. આ કારણે દરેક ઝોનમાં સર્વેયર અને અધિક મદદનીશ ઈજનેર કક્ષાએ 1500 ફાઈલોના ઢગલા થઈ ગયા છે.