રાજકોટ જિલ્લામાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામ નિર્માણ પામવા જઈ રહ્યું છે. સિદસર બાદ હવે મા ઉમિયાનું ભવ્ય મંદિર જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે. મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આગામી તારીખ 13 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રૂપિયા 550 કરોડના આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે.
આ અંગે સંગઠન ચેરમેન નિલય ડેડાણિયાએ જણાવ્યું હતું કે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કણકોટ પાસે જશવંતપરા ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાજીના આકાર લઈ રહેલા આ મંદિર-સંકુલ માટે કુલ 32 વીઘા જમીન ખરીદ કરવામાં આવી છે. આગામી 13 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ ભવ્ય દિવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ ઉમિયાધામ મંદિરના બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે.