વીરપુર વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં છેલ્લાં ત્રણ મહિના થયા ત્રણ દીપડા આંટાફેરા કરતા હોવાની પાકે પાયે માહિતી મળતાં રાતે વાડીએ રખોપું કરવા જતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો અને ખેડૂતોની રજૂઆતો બાદ વન વિભાગે પણ આ બાબતને ગંભીરતાથી લઇને આરએફઓ પરેશ મોરડીયાના માર્ગદર્શન હેઠળ દીપડાને પુરવા પાંજરૂ મુક્યું છે. વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ત્રણેક મહિના થયા બે થી ત્રણ દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે, હાલ ખેડૂતોને રવીપાક માટે વાવેતરની સીઝન ચાલુ છે.
ખેડૂતો રવીપાકમાં ઘઉં,ચણા,ધાણા સહિતના અનેક પાકોના વાવેતર કરી રહ્યા છે અને વાવતેર કરેલા પાકોમાં ખેડૂતોને પિયત,જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી કરવાની હોય છે જેમાં કામગીરી કરતા કરતા સુર્યાસ્ત એટલે કે સાંજ પણ પડી જતી હોય છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી આહાબા સિમ વિસ્તારમાં બે થી ત્રણ દીપડાના આટાફેરા વધતા ખેડૂતોમાં ભયની દહેશત ફેલાઈ છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ઘરાવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સિમ વિસ્તારમાં દિપડાએ ખેડૂતોના વાડી વિસ્તારમાંથી ઘણા શ્વાનોનો શિકાર કર્યાે છે. ઘણા ખરા ખેડૂતો પોતાના પશુઓ પણ વાડીએ જ રાખતા હોય છે ત્યારે હિંસક દિપડાઓ ખેડૂતોને અને પશુઓને પણ જાનહાનિ પહોંચાડે તે પહેલાં આ હિંસક દીપડાઓને પકડવા ખેડૂતોમાં માંગ ઉઠી છે ખેતરોમાં દીપડાના ફૂટપ્રિન્ટ મળતાં વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડી લેવા ગતિવિધિ તેજ કરી છે.