રાજકોટ શહેર SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે જ્યુબિલી ગાર્ડન પાસે ફુટપાથ પર એક શખસ ગાંજાના જથ્થા સાથે ઉભેલ હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી બે થેલા સાથે હાજર એક શખસની અટકાયત કરી તેનું નામ પૂછતાં ચેતન ભરત સમેચા (ઉ.વ.21) જણાવ્યું હતું. તેમની પાસે રહેલ થેલામાં તપાસ કરતાં તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને આ માદક પદાર્થનો વજન કરતાં 11.950 ગ્રામ હોવાનું સામે આવ્યું હતું. એસઓજીની ટીમે ગાંજાનો જથ્થો, રોકડ રૂપીયા, ટ્રેઇનની ટીકીટ અને મોબાઈલ મળી કુલ રૂ. 1.26 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની પૂછતાછ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ શખસ ઓરિસ્સાથી ગાંજો લઈ આવ્યો હતો અને શહેરમાં તે છૂટક વેંચાણ કરવાનો હોવાનું સામે આવ્યું હતું. તેમજ અગાઉ પણ ગાંજાની એક ટ્રીપ મારી હોવાની કબૂલાત આપી હતી. ગાંજો શહેરમાં તે ક્યાં ક્યાં બંધાણીને સપ્લાય કરતો તે માટે વધું તપાસ એ. ડિવિઝન પોલીસે હાથ ધરી છે.