મહિલાઓના ફોટા પાડતાં બે યુવકને ઘાઘરો-ચોળી, ચંપલનો હાર પહેરવ્યો

વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. જ્યાં ભિક્ષાવૃત્તિ કરતાં કરતાં પોતાના મોબાઈલમાં મહિલાઓના ફોટા પાડતા હતા. જે ગામ લોકોની નજરે ચડતાં તેમને પકડી તેમના સમાજના લોકોને જાણ કરતાં સમાજના લોકો દોડી જઇ ગામલોકોની માફી માગી હતી. બંને યુવકોને વાવ લાવી બંને યુવકોને સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોળી પહેરાવ્યા હતા. જૂતાનો હાર પહેરાવી 50 હજારનો દંડ કરી તેમના પરિવારને એક વર્ષ માટે સમાજમાંથી બહિષ્કાર કરાયો હતો.

બંને યુવકોને સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોળી પહેરાવ્યાં
રાધનપુર વિસ્તારના વિચરતી જાતિ સમુદાયના વાદી પરિવારો વાવ માર્કેટ યાર્ડ નજીક તંબુઓ તાણી રહે છે અને ગામડે ગામડે જઈ ઘરોમાં ફરી ભિક્ષાવૃત્તિ કરી અનાજના દાણા માગી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના બે યુવકો વાવના તીર્થગામે સોમવારે ગયા હતા. જ્યાં અનાજ માગતા રસ્તાઓમાં બેન દીકરીઓના પોતાના મોબાઈલમાં ફોટા પાડતાં ગામલોકોની નજરે ચડી ગયા હતા. જેને લઇને ગામલોકોએ તેમને પકડી મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરાવી તેમના સમાજના આગેવાનોને બોલાવ્યા હતા.

સમાજમાંથી બહાર કરી 50 હજારનો દંડ કર્યો
​​​​​​​​​​​​​​જેને લઇને આગેવાનો દ્વારા ગામલોકોની માફી માગી તેમને વાવ લાવવામાં આવ્યા હતા. અને સમાજના આગેવાનો ભેગા મળી તેમને કરેલ ભૂલને લઇને તેમને સ્ત્રીઓના વસ્ત્ર તેમજ જૂતાઓના હાર પહેરાવી તેમના પરિવારોને સમાજમાંથી બહાર કરી 50 હજારનો દંડ કર્યો હતો. આ અંગે સમાજના આગેવાનએ જણાવ્યું હતું કે “અમારે જમીનો નથી, અમારે ગામે ગામ ફરી ઘરે ઘરે દાણા માગી પેટ ભરી એ છીએ. આ બે જણે ધંધા માથે પાટું મારે તેવું કર્યું છે. એટલે તેમને સજા કરી છે. એક વર્ષ પછી સમાજના આગેવાનો ભેગા થશે ને લાગશે તો તેમને સમાજમાં પાછા લેશે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *