રાજકોટ શહેરમાં મવડી કણકોટ રોડ પર ગત 25 નવેમ્બરના રોજ પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર પીઆઇ પાદરીયા દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ સરદારધામ અને ખોડલધામ વચ્ચે વેરઝેર હોવાની વાત વારંવાર સામે આવી રહી છે. આ વિવાદ દિવસે ને દિવસે વક્રી રહ્યો છે અને રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ ગઈકાલે આખા આ મામલે જયંતિ સરધારાએ એક જગ્યા પર ચોક્કસ લોકો સાથે મળી બંને સંસ્થાને બદનામ કરવા સોપારી લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો, જેના જવાબમાં જયંતિ સરધારાએ આ વાતને પાયાવિહોણી ગણાવી જો આવું હોય તો ચોક્કસ પુરાવા સાથે દિનેશ બાંભણીયાને વાત કરવા પડકાર ફેંક્યો છે.
ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, સરદારધામ અને ખોડલધામ બંને સામાજિક સંસ્થા છે. બંને સંસ્થા વિશે તેમજ પાટીદાર સમાજના લેઉવા અને કડવા પાટીદાર વિશે જેમ ફાવે તેમ બોલવું અને જે નિવેદન જયંતીભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ બનાવ સાથે સૌની લાગણી જોડાયેલી હતી અને દુઃખદ ઘટના છે એવું સૌનું માનવું હતું. ગઈકાલે એક તપાસના અંતે જયંતિ સરધારાએ તમામ સમાજના આગેવાનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. ખોડલધામ અને સરદારધામ સંસ્થાના મુખ્ય આગેવાનો કઈ રીતે બદનામ થાય એનું આયોજનપૂર્વક કાવતરું કરવામાં આવ્યું છે. આ કાવતરું ક્યાં ફાર્મ હાઉસમાં કોની હાજરીમાં થયું? તેના પુરાવા પણ સમય આવ્યે આપવામાં આવશે.