શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં ઓફિસમાં કામ કરતા યુવકને તેની ઓફિસ નજીક મોરબી રોડ પર રહેતા શખ્સે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, યુવકે ધર્મની બહેન માની હતી તે મહિલાના 17 વર્ષ પહેલાના પ્રેમીએ આ ધમાલ મચાવી હતી.
રેલનગરમાં રહેતા અને જાગનાથના હિરાપન્ના કોમ્પલેક્સ નજીક ઓફિસમાં નોકરી કરતા અનિકેત દિનેશભાઇ મકવાણા (ઉ.વ.23)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ જકાતનાકા પાસે રહેતા મહેશ છગન સોલંકી અને નિલકંઠ સિનેમા નજીક રહેતા શનિ રામજી ખસિયાનું નામ આપ્યું હતું.
અનિકેત મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દસેક વર્ષ પહેલા પોતે ઘડિયાળના કારખાનામાં કામ કરતો હતો ત્યારે તેની સાથે કામ કરતા રેખાબેન મુકેશભાઇ મકવાણા અનિકેતને રાખડી બાંધતા હતા અને તેને ધર્મનો ભાઇ બનાવ્યો હતો તે વખતે રેખાબેનને મહેશ છગન સોલંકી સાથે પ્રેમસંબંધ હતો, રેખાબેનના પતિનું નવ વર્ષ પહેલા અવસાન થયું હતુ, બે વર્ષથી રેખાબેનને મહેશ સોલંકી સાથે સંબંધ નથી.
ગુરૂવારે સાંજે અનિકેત પોતાની ઓફિસ નજીક રસ્તા પર ઉભો હતો ત્યારે રેખાબેનને જેની સાથે 17 વર્ષ પહેલા પ્રેમસંબંધ હતો તે મહેશ સોલંકી ત્યાં સ્કૂટર લઇને આવ્યો હતો અને અનિકેતને કહ્યું હતુ કે, ‘તારી બહેનના નંબર આપ’, અનિકેતે નંબર નહીં હોવાનું કહેતા મહેશ ઉશ્કેરાયો હતો અને તેણે ગાળો ભાંડી હતી અને હું તને જોઇ લઇશ, જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો.