રાજકોટમાં મંડળી, ફાઇનાન્સ અને જ્વેલર્સ પેઢી ખોલી પિતા, બે પુત્ર સહિત ચાર શખ્સે 2012થી 2017ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 12 રોકાણકારોને અલગ અલગ સ્કીમ અને ઊંચું વળતર આપવાની લાલચ આપી રૂ.2.90 કરોડ હજમ કરી ગયાની સાત વર્ષ બાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર દિવ્યાંગ વ્યક્તિએ ફરિયાદ કરી છે. તેના આધારે પોલીસે આઈપીસી કલમ 420, 120(બી) તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્સ્ટ્રેટ ઓફ ડિપોઝિટ એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કરી શ્રીલક્ષ્મી નયના કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની નામની મંડળીના સંચાલકો, રામા જ્વેલર્સ સિલ્વર સ્ટોન જેમ્સ એન્ડ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડના સંચાલકો અને આશુતોષ ફાઇનાન્સના પ્રોપરાઈટરને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
કુવાડવા રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી શેરી નં.3માં રહેતા ગુણવંતભાઈ મોહનભાઈ લુણાગરિયાએ પ્રવીણ મગન મગદાણી, દર્શિત પ્રવીણ મગદાણી, ભાવિન પ્રવીણ મગદાણી અને રાકેશ કાંતિ વાયા સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, આ શખ્સોએ 2012થી 2017 દરમિયાન મંડળી સહિત કુલ 3 પેઢી ખોલી હતી અને તેમાં ઊંચું વ્યાજ, મોટું વળતર અને સોનું જમા કરાવે તો ડબલથી વધુ આપવાની વાત કરી હતી. જોકે 5 વર્ષ દરમિયાન પોતાના સહિત કુલ 12 અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 2.90 કરોડ રૂપિયા ઉઘરાવી મોદી સ્કૂલ સામે આવેલા અમી પાર્ક બ્લોક નં.એ-5માં ‘લક્ષ્મીનયના’ નામના મકાનમાં રહેતા ઉપરોક્ત શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.