પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઓક્ટોબરથી ડિસેમ્બર-2024ના ગાળામાં વિનામૂલ્યે એક ગેસ સિલિન્ડર રિફિલિંગનો લાભ આપવાની કામગીરી અંગે જિલ્લા પૂરવઠા અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના 1.23 લાખ લાભાર્થીઓને સિલિન્ડર રિફિલિંગનો લાભ આપવા ગેસ એજન્સીઓને જિલ્લા પૂરવઠા અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી હતી. જેથી, હવે આગામી સમયમાં ગેસ એજન્સી દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વિના મૂલ્યે ગેસ રીફિલિંગ કરી આપવામા આવશે.
જિલ્લા પૂરવઠા અધિકારી રાજે વંગવાણીની અધ્યક્ષતામાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે, આઈ.ઓ.સી.એલ., બી.પી.સી.એલ., એચ.પી.સી.એલ.ના અધિકારીઓ તથા ગેસ એજન્સીઓના પ્રમુખોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં જણાવાયું હતું કે, 2024માં એપ્રિલથી જૂન માસ દરમિયાનના રાજકોટ જિલ્લાના 1,32,304 લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ રિફિલિંગની સુવિધા આપવામાં આવી છે. હવે ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં વિનામૂલ્યે રિફિલિંગ માટે જિલ્લાના 1,23,618 લાભાર્થીઓને લાભ મળવાપાત્ર છે. ચાલુ માસ તથા ડિસેમ્બરના અંત સુધીમાં તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના અંતર્ગત વિનામૂલ્યે એક ગેસ સિલિન્ડર રિફિલિંગ સમય મર્યાદામાં મળી રહે, તે માટે ઓ.એમ.સી. તથા ગેસ એજન્સી એસોસિએશનના પ્રમુખોને જિલ્લા પૂરવઠા અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી હતી.