રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગોંડલના વાસાવડના યુવકને દાખલ ન કરી તગેડી મૂકતા યુવકે પાર્કિંગમાં રાત વિતાવી હતી અને સવારે સારવારના અભાવે મોત થયું હતું. ફક્ત એટલું જ નહીં આ બનાવને ઢાંકવા માટે યુવક મૃત હોવા છતાં વેન્ટિલેટર ઉપર રાખી પરિવાજનોને બોલાવી લેવાનું કહી ફરીથી મૃત જાહેર કરવાનું નાટક કર્યું હતું. જોકે, આ તબીબનો ભાંડો ફૂટયા બાદ તાકીદે જ તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી. આ કમિટીએ પુરાવા સાથે રિપોર્ટ તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનને સોંપ્યો હતો. જેને આધારે આ બનાવને ગંભીર ગણાવી રેસિડેન્ટ તબીબ ડૉ. પાર્થ ચુડાસમાને 6 મહિના સુધી સસ્પેન્ડ કરવાનો હુકમ મેડિકલ કોલેજના ડીન ડો.ભારતી પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ગત તા. 18 ઓક્ટોબરે વાસાવડમાં રહેતા 31 વર્ષીય સતીષ બાબુભાઇ નામના એક યુવકને તબિયત લથડતા તેનો મિત્ર સિવિલમાં રાત્રિના સમયે સારવાર માટે 108 એમ્બ્યુલન્સથી લાવ્યો હતો. યુવકને ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના તબીબે જોઈ તપાસી દાખલ કરવા જરૂર લાગતા વોર્ડ નં-10માં રિફર કર્યો હતો. જોકે, ત્યાં ડૉ. પાર્થ ચુડાસમાએ નીચે કાઢી મુકતા બંનેએ પાર્કિંગમાં રાત વિતાવી હતી. સવારે દર્દી સતીષને મિત્રએ ઉઠાડ્યો પણ તે નહીં ઉઠતા તરત તેને ઈમરજન્સી વિભાગમાં લવાયો હતો. મેડિકલ ઓફિસરે ECG કાઢી યુવકને મૃત જાહેર કર્યો હતો.