રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલા જિલ્લા પંચાયત કચેરીનાં બિલ્ડીંગનું રૂ. 36 કરોડનાં ખર્ચે નવીનીકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં આખા બિલ્ડીંગને પાડીને નવી આધુનિક ઇમારત બનાવવામાં આવનાર છે. આ માટે ગત તારીખ 16 માર્ચનાં રોજ વર્ક ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ કચેરીનો બધો સામાન ખસેડી આખી કચેરીનું જૂની કોર્ટનાં બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે વર્ક ઓર્ડર મુજબ 18 માસના આ પ્રોજેકટમાં વર્ક ઓર્ડર થયાનાં 8 મહિના બાદ હજુપણ કામગીરી આગળ વધી નથી. આ કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવનાર છે. જોકે ક્યારે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે તેની કોઈ ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જેને લઈ અરજદારો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષો જુનું બિલ્ડીંગ તોડીને નવી આધુનિક ઇમારત બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. જિલ્લા પંચાયતના શાસકોએ સરકારી ડિઝાઇનને બદલે સ્વતંત્ર ડિઝાઇન મંજૂર કરાવીને પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જે માટે રૂ. 36 કરોડથી વધુનાં ખર્ચનો અંદાજ મુકાયો હતો. પ્રોજેક્ટ મંજૂર થયો ત્યારે જ લોકસભાની ચૂંટણી માથે હતી. આચારસંહિતા લાગુ પડી જાય તો પ્રોજેક્ટમાં ત્રણ-ચાર મહિનાનો વિલંબ થવાની શક્યતા હતી. તે નિવારવા માટે શાસકોએ રાત ઉજાગરા કરીને મંજૂર થયેલા ટેન્ડરના કોન્ટ્રાક્ટર પાસે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી ગત તારીખ 16 માર્ચનાં રોજ વર્ક ઓર્ડર આપી દેવાયો હતો.