રાજકોટ તાલુકાના રૂડાની હદ બહાર આવતા 63 પૈકીના 16 ગામોમાં 2 હજારથી માંડી 6 હજાર ટકાનો વધારો સૂચવાયો

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવી જંત્રીનાં દરો સૂચવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નવી જંત્રી જાહેર કરતા પહેલા દરેક જિલ્લા-તાલુકાનાં મહેસુલી તંત્ર પાસે જમીન-મકાનના વાસ્તવિક ભાવોના રિપોર્ટ મંગાવ્યા હતાં અને નવી જંત્રી તૈયાર કરવા માટે મોટા પ્રમાણમાં સરવે કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સરકાર દ્વારા વેબસાઈટ ઉપર મુકવામાં આવેલા સુચિત જંત્રી દરો જોતા સરકારી અધિકારીઓ-કર્મચારીઓ સ્થળ પર જવાના બદલે ઓફિસોમાં બેસીને જ જંત્રીના સૂચિત દરો તૈયાર કર્યા હોય એવું લાગી રહ્યું છે. જેમાં રાજકોટનાં સણોસરા સહિત ગામોમાં 6,000 ટકાથી વધુનો વધારો સૂચવાયો છે. જોકે, સરકારે વાંધા સૂચનો રજૂ કરવા સમય આપ્યો છે પણ આ બાબતથી અજાણ ગ્રામજનો વાંધા સૂચનો રજૂ કરશે કે નહીં તે મોટો સવાલ છે.

રાજકોટ તાલુકાના રાજકોટ શહેરી વિકાસ સતામંડળ (રૂડા)ની હદ બહાર આવેલા ગામડાઓની વાત કરવામાં આવે તો સરકારે નવી જંત્રીના જાહેર કરેલા સૂચિત ડ્રાફ્ટ પ્રમાણે જમીનના ભાવો 1,000 ટકાથી માંડી 6,000 ટકા સુધી વધુ આંકવામાં આવ્યા છે. રૂડાની હદ બહારના 63 ગામડાઓની જમીનની જંત્રીના સૂચિત દરો જોવામાં આવે તો અમુક ગામડાઓની જંત્રીમાં તો 6,000 ટકા કરતા પણ વધુ દર સૂચવાયો છે. મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોના જંત્રીદરોમાં વાસ્તવિક અને બિનતાર્કિક દર્શાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *