રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીકથી પોલીસે 23 લાખનો દારૂનો જથ્થો ભરેલી ટ્રક સાથે ભાણવડ પંથકના બે શખ્સને ઝડપી લીધા હતા જ્યારે રાજકોટનો એક બૂટલેગર પોલીસને જોઇને નાસી ગયો હતો. રાજકોટ કે સૌરાષ્ટ્રના ક્યાં બૂટલેગરે દારૂનો મોટો જથ્થો મગાવ્યો હતો તે ઝડપાયેલો બૂટલેગર હાથ આવ્યા બાદ સ્પષ્ટ થશે.
અમદાવાદ તરફથી આવી રહેલી 12 વ્હિલવાળી ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની માહિતી મળતાં એલસીબી-1ના પીએસઆઇ વી.બી.બોરીસાગર અને હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે કુવાડવા રોડ પર ક્રિષ્ના પાર્ક સામે વોચ ગોઠવી હતી. નિયત નંબરની ટ્રક આવતાં જ પોલીસે તેને યુક્તિપૂર્વક અટકાવી હતી. પોલીસને જોતા જ ટ્રકની કેબિનમાંથી નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા બૂટલેગર જયંતી રાઘવ ચૌહાણે કૂદકો લગાવ્યો હતો અને અંધારામાં બાવળની ઝાડીઓ વચ્ચે થઇ નાસી ગયો હતો.