રાજકોટમાં 6 વર્ષ બાદ સ્વિમિંગની નેશનલ સ્કૂલ ગેમ્સ યોજાશે

વર્ષ 2036ની ઓલિમ્પિક ભારતમાં યોજાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાવેદારી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ તમામ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાતના અમદાવાદ પાસે સાણંદમાં સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થઈ રહ્યું છે. ત્યારે ઓલિમ્પિકમાં રાજકોટના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારુ પ્રદર્શન આપે તે માટે સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં અન્ડર-14ના વિદ્યાર્થીઓ 12 વર્ષ બાદ ભારતને મેડલ અપાવી શકે તે માટે DLSS સ્કૂલમાં તાલીમ આપવામાં આવે છે અને બાદમાં ગુજરાતના 8 ટ્રેનિંગ સેન્ટર પર એક્સપર્ટ કોચ દ્વારા તાલીમ અપાઈ રહી છે.

રાજકોટમાં 23મી નવેમ્બરથી સ્વિમિંગની નેશનલ સ્કૂલ ગેમ્સ રમાવવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એથ્લેટિક્સમાં 3 નવી ઇવેન્ટ ઉમેરી છે. તો રાજકોટના 4 વિદ્યાર્થીઓ રોલર સ્કેટિંગમાં નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા છે. દરમિયાન અન્ય હકીકત એ પણ છે કે, ઓલિમ્પિકનો જેના પર આધાર રહેલો છે તેવી DLSS 19 સ્કૂલોમાં વિદ્યાર્થીઓને તાલીમ આપતા કોચ કાયમીને બદલે કોન્ટ્રાક્ટ આધારિત છે. ઉપરાંત રાજ્યમાં 5500 સ્પોર્ટ્સ ટીચરની જગ્યા ખાલી છે. જે ભરતી રાજ્ય સરકાર કરે તે જરૂરી છે. રાજકોટ રોલર સ્કેટિંગમાં ખેલાડીઓ આગળ વધી શકે તે માટેની બેન્કડ ટ્રેક રીંગ નથી. જેને લીધે ખેલાડીઓને પ્રેક્ટિસ માટેનું યોગ્ય મેદાન મળતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *