રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી ડિમોલિશનની કાર્યવાહી બંધ રાખી હતી. કોર્ટની સૂચના અન્વયે કામગીરી બંધ રખાઈ હતી. જો કે સુનાવણી બાદ લીલીઝંડી મળી હતી. આ માટે મનપાએ લીગલ અભિપ્રાય લીધો હતો અને તમામ નીતિનિયમો જાણીને ફરીથી ડિમોલિશન શરૂ કર્યું છે જેમાં પહેલું ડિમોલિશન આલાપ ગ્રીન સિટી પાસે આવેલા બગીચા હેતુના પ્લોટને ખુલ્લો કરવાથી કર્યું છે.
શહેરના વોર્ડ નં.1માં આલાપ ગ્રીન સિટીની બાજુમાં શાંતિનિકેતન પાર્ક પાસે આવેલા મનપાના બગીચા હેતુના પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ કરીને અસામાજિક તત્વોએ દબાણ કરી નાખ્યું હતું. આ દબાણ દૂર કરી આશરે 7.20 કરોડની કિંમતની 1200 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ સિવાય રામાપીર ચોક પાસે લાભદીપ સોસાયટીમાં માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ માટે 260(1)ની નોટિસ અપાઈ હતી અને ત્યારબાદ 260(2)ની નોટિસ પણ અપાઈ હતી. આમ છતાં કોઇ કાર્યવાહી ન કરાતાં સમગ્ર બાંધકામને સીલ કરી દેવાયું છે. આ જ રીતે વોર્ડ નં. 11માં તિરૂપતિ બાલાજી જ્વેલર્સ(ચાંદી હુંડી), શ્રી હરી કોમ્પલેક્સમાં ગેરકાયદે સીડીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. 260(2)ની નોટિસ આપ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં ન આવતા સંજય પારેખ નામની વ્યક્તિનો આ શો-રૂમ સીલ કરવામાં આવ્યો છે. વોર્ડ નં. 12માં અશોક લાઠિયાની શિવમ ટેઈલર્સ કે જે ઉદયનગર-2માં શેરી નં. 3માં આવેલી છે ત્યાં મંજૂરી લીધા વગર ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધકામ ચાલુ કરીને માળ ચણવાનું શરૂ કરી દીધું હતું. જે અન્વયે 260(2)ની નોટિસ આપવામાં આવી હતી જો કે અનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં ન આવતા શિવમ ટેઈલર્સને સીલ કરવામાં આવ્યું છે.