રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ગઈકાલે ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવાસમાં દરોડો પાડી 852 ગ્રામ ગાંજા સાથે એજાજને ત્રીજી વખત દબોચી લીધા હતો. આજે બાતમીના આધારે વિંછીયા પંથકના અજમેર ગામની સીમમાં દરોડો પાડી 15 વીઘા જમીનમાં કપાસ અને તુવેરની વચ્ચે કરેલા 76 કિલો ગાંજાના વાવેતર સાથે શખ્સને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીએ પ્રથમ વખત જ વાવેતર કર્યાનું રટણ કરતો હતો. જો કે, 8 માસ પૂર્વે પણ આ શખ્સ 8 પેટી દારૂ સાથે પકડાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ ગ્રામ્ય એસઓજી PI એફ.એ.પારધી, PSI ભાનુ મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન સ્ટાફને માહિતી મળી હતી કે, વિંછીયા તાલુકાના અજમેર ગામે રહેતા અને સીમમાં ખેતીની 15 વીઘા જમીન ધરાવતા રાયધન વાલજીભાઈ ગાબુ (ઉં.વ.25) નામના શખ્સે પોતાના ખેતરમાં ગાંજાનું મસમોટું વાવેતર કર્યું છે. આ હકીકત આધારે સ્ટાફે દરોડો પાડતા જમીનની ચોતરફ તુવેરનું અને વચ્ચે કપાસનું વાવેતર જોવા મળ્યું હતું. આ કપાસ અને તુવેરની વચ્ચે કરેલું ગાંજાનું વાવેતર મળી આવતા પોલીસે 75 કિલો 960 ગ્રામ ગાંજાના 40 છોડ મળી આવતા રૂ.7,59,600નો ગાંજો કબજે કરી વાડીમાલિક રાયધન ગાબુ સામે એનડીપીએસ એક્ટ હેઠળ વિંછીયા પોલીસમાં ગુનો રજિસ્ટર કરાવી ધરપકડ કરી હતી.