શહેરમાં રહેતી મહિલાને વારંવાર રાજકોટથી જૂનાગઢ જવાનું હોય ખાનગી બસના ચાલક સાથે પરિચય થયો હતો. મહિલાની તરુણવયની પુત્રીએ આપઘાત કરી લેતા માનસિક અસ્વસ્થ થયેલી મહિલાને સાંત્વના આપી બસચાલકે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
વંથલીના ટીનમસ ગામના બસચાલકની હેવાનિયતનો ભોગ બનેલી 34 વર્ષની મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી તરીકે ટીનમસ ગામના રાહુલ લાખા હુંબલનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022માં રાજકોટથી જૂનાગઢ જતી હતી ત્યારે સુરતથી કેશોદ રૂટની રાઘવ ટ્રાવેલ્સની બસના ચાલક રાહુલ હુંબલ સાથે પરિચય થયો હતો અને ફોન પર એકબીજાને મેસેજ કરતા હતા. દરમિયાન એપ્રિલ 2024માં મહિલાની 15 વર્ષની પુત્રીએ આપઘાત કરી લેતા માનસિક અસ્વસ્થ થઇ ગઇ હતી અને તેનો પતિ પણ દારૂની કુટેવે ચડી ગયો હતો. પતિ દારૂના નશામાં ધંધામાં પૂરતું ધ્યાન આપતો નહીં હોવાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે રાહુલ સાથે મોબાઇલમાં સતત વાતચીત થતી હોય રાહુલ મહિલાને સાંત્વના આપતો હતો. રાહુલે મહિલાને કહ્યું હતું કે, તું મારા ઘરે આવ અને બધાને મળ તો તારું દુ:ખ હળવું થઇ જાય, જેથી મહિલા તેના ઘરે ગઇ હતી અને તેના પરિવારના સભ્યોને મળી હતી. પતિ દારૂ પી મારકૂટ કરતો હોય રાહુલે પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહ્યું હતું, પરંતુ છૂટાછેડા બાદ પોતાનું કોણ તેવું કહેતા ત્રણ સંતાનના પિતાઅે છૂટાછેડા લે તો હું લગ્ન કરીશ તેવી ખાતરી આપી હતી. જુલાઇ 2024માં રાહુલ રાજકોટ આવ્યો હતો અને મહિલાના ઘરે કોઇ નહોતું ત્યારે તેના ઘરે પહોંચ્યો હતો અને બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા હતા.