રાજકોટ મનપાનાં 51માં સ્થાપના દિવસ નિમિતે ગઇકાલે રાત્રે 8:30 કલાકે ડીએચ કોલેજ ગ્રાઉન્ડ ખાતે બૉલીવુડ સિંગર અમાલ મલિક-નિકિતા ગાંધીની મ્યુઝીકલ નાઈટ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને સંગીતનાં તાલે ઝૂમી ઉઠ્યા હતા. રાજકોટમાં ઠંડીનાં ચમકારા છતાં લોકોએ મનભરીને આ બૉલીવુડ કલાકારોની સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ નજીક આવેલ ટોળાને ખસેડતા યુવકનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જોકે સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ મામલો થાળે પાડ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટનાં 9 મહાનુભાવોને મેયર એવોર્ડ અપાયા હતા. તેમજ રંગોળી સ્પર્ધાનાં વિજેતાઓને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.