સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ.એ. અંગ્રેજી સેમેસ્ટર-2નું પરિણામ પાંચ મહિને જાહેર કરવા મુદ્દે સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના સ્થાપક ટ્રસ્ટી યશવંત જનાણીએ કુલપતિ ડો.કમલસિંહ ડોડિયાને રજૂઆત કરી છે. તેમાં જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષથી એમ.એ. (અંગ્રેજી) વિષયનું પરિણામ મોડું જાહેર થાય છે. એપ્રિલ-2024માં લેવાયેલ એમ.એ. (અંગ્રેજી) સેમેસ્ટર-2ની પરીક્ષાનું પરિણામ સપ્ટેમ્બર -2024માં જાહેર કરવામાં આવ્યું છે. આમ એમ.એ.(અંગ્રેજી)નું પરિણામ અન્ય અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓના પરિણામ કરતાં ઘણું મોડું જાહેર થાય છે.
અંગ્રેજી ભવનમાં માસિક ત્રણ લાખનો પગાર મેળવતા ચાર સિનિયર પ્રાધ્યાપકો સહિત કુલ સાત કાયમી અધ્યાપકો ફરજ બજાવી રહ્યા છે. આ સ્થિતિમાં અંગ્રેજી ભવનના સિનિયર પ્રાધ્યાપકો દ્વારા નિયત સમયમર્યાદામાં મૂલ્યાંકન કામગીરી પૂર્ણ કરવામાં આવે તો પરીક્ષા વિભાગ અન્ય વિષયોના પરિણામની સાથે જ એમ.એ.(અંગ્રેજી)નું પરિણામ જાહેર કરી શકે. પરિણામો મોડા મળવાના કારણે અંગ્રેજી ભવન અને અન્ય અનુસ્નાતક કેન્દ્રોના વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં થાય છે. ભવિષ્યમાં એમ.એ.(અંગ્રેજી)ની તમામ પરીક્ષાઓનું પરિણામ એક મહિનાની અંદર જાહેર થાય તેવી રજૂઆત કરી છે.