સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમેસ્ટર-3 અને 5ના 47,280 વિદ્યાર્થીની પરીક્ષાનો 127 કેન્દ્રમાં આજથી પ્રારંભ થઇ રહ્યો છે. 86 જેટલા ઓબ્ઝર્વર પણ પરીક્ષા દરમિયાન દરેક પરીક્ષા નિરીક્ષણ કરશે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ વર્ષે યુનિવર્સિટીમાં નવો સ્ટેચ્યુટ લાગુ કરી દેવામાં આવ્યો છે અને પરીક્ષાના નિયમોમાં જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતા પકડાય તો હવે તેને પરીક્ષામાંથી બાકાત કરવા ઉપરાંત 10 હજાર સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે.
નવા એક્ટ બાદ સંભવત આ પહેલી રેગ્યુલર પરીક્ષા લેવામાં આવી રહી છે. વિદ્યાર્થી ચિઠ્ઠીમાંથી કે મોબાઈલમાંથી ચોરી કરે, મોબાઈલ સાથે પકડાય, હાથ-પગમાં લખાણ કરીને લાવે, ઘેરથી ઉત્તરવહી લખીને લાવે, આજુબાજુના વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાંથી ચોરી કરીને લખે તેવી જુદી જુદી રીતે ચોરી કરતા પકડાય તો આ વર્ષે નિયમ કડક કરાયો છે.
નવા સ્ટેચ્યુટમાં યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ માટે જુદી જુદી કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જે-તે વિષયનું પરિણામ રદ કરવું, રૂ. 2500થી રૂ.10,000 સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. નવા એક્ટ મુજબ હવે પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીનું પેપર રદ થશે, દંડ થશે અને ગંભીર ગુનામાં FIR પણ થઇ શકે છે. કેટલાક કિસ્સામાં MPEC તે વિદ્યાર્થીને પરીક્ષામાંથી કાયમી પ્રતિબંધ પણ લાદી શકે છે.