મણિયાર સહિતનાની ફોર્મ માન્ય રાખવાની અરજી હાઈકોર્ટે ફગાવી

મોસાળે જમણ અને મા પીરસનાર’ કહેવત મુજબ જો મોસાળે જમણ હોય અને માતા પીરસતી હોય તો દીકરા (ભાણેજ)ને કોઇ વાતની ખોટ ન પડે તેવો અર્થ થાય છે, પરંતુ રાજકોટમાં પ્રથમ વખત નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં મામા-ભાણેજ આમને-સામને આવી ગયા બાદ આ કહેવતમાં થોડો વણાંક આવ્યો છે અને ‘મોસાળે જમણ, મા પીરસનાર’ છતાં ભાણેજને કંઇ નહીં મળે તેવો ઘાટ સર્જાયો છે. રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં કલ્પક મણિયાર જૂથ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કલેક્ટરના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, પરંતુ હાઇકોર્ટે ગુરુવારે સુનાવણી કર્યા બાદ મેન્ટેનેબિલિટીના ગ્રાઉન્ડ પર કલ્પક મણિયાર જૂથની અરજી ફગાવી દીધી છે. આથી હવે 17મીએ સહકાર જૂથના 15 v/s સંસ્કાર જૂથના 11 ઉમેદવાર વચ્ચેનો જંગ નિશ્ચિત બન્યો છે.

રાજકોટ નાગરિક સહકારી બેન્ક વતી એડવોકેટ જાલ ઉનવાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, આ અરજીમાં બેન્કને જ પક્ષકાર બનાવવામાં આવી નથી. જેની સામે પંકજ ચાંપાનેરીએ એવી દલીલો કરી હતી કે, આ બેન્કના ડિરેક્ટરની ચૂંટણી છે અને તેમને રિટર્નિંગ ઓફિસરના કામ સામે વાંધો છે. આ રિટર્નિંગ ઓફિસરની નિમણૂક સેન્ટ્રલ રજિસ્ટર કરતા હોય છે. જે મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશનને જવાબદાર હોય છે. તેથી રિટર્નિંગ ઓફિસર અને સહકાર મંત્રાલયને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. હાઇકોર્ટે આ અરજીમાં બેન્કને જોડવા અરજદારને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *