રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે રોડ પર પડેલ એક્ટિવા ટોઇંગ કરતાં જ ચાલક દંડ ભરવા તૈયાર થયા પણ સાથેની માતા-પુત્રીએ ટોઇંગ કરેલ એક્ટિવા છોડાવવા મહિલા પોલીસ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરતાં બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહિ આ ઉપરાંત અમે કોણ છીએ તું જાણતી નથી હવે તું નોકરી કઇ રીતે કરે છે જોઇ લેજે કહી ધમકી પણ આપી હતી.
હાલ રાજકોટ ટ્રાફિક શાખામાં ASI તરીકે ફરજ બજાવતાં રાધિકાબેન અશોકભાઈ મકવાણાએ બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ફિરોજાબાનું ગુલામહુસેન વળદળીયા અને શમશાબાનું ગુલામહુસેન વળદળીયાનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે સાંજના પાંચ વાગ્યાથી ટ્રાફિક શાખાનાં ટોઇંગ વાહનમાં ફરજ પર હતાં. તેઓ સેકટર નંબર-1 માં કુવાડવા રોડ ડી માર્ટ વિસ્તારમાં ટોઇંગ વાહન ઇન્ચાર્જ તરીકે ફરજમાં હતાં. તેમની સાથે ટોઇંગ વાહનનાં ડ્રાઇવર સુરેશભાઇ પરમાર, હેલ્પર પ્રકાશભાઈ વાળા સહિતના કર્મચારી હતાં. તેઓ સ્ટાફ સાથે સાંજના સાતેક વાગ્યા આસપાસ પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતા કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે આવતા ત્યાં રોડ ઉપર એક કાળા કલરનું એકટીવા નં. જીજે.03.એલએસ.9895 પડેલ હતું.