ડેન્ટિસ્ટના પત્ની અને પુત્રી પર પાડોશી મહિલાઓનો હુમલો

શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના ગોલ્ડન પાર્કમાં રહેતા ડેન્ટિસ્ટના પત્ની અને યુવાન પુત્રી પર પાડોશી મહિલાઓએ હુમલો કરતાં ઘવાયેલા માતા-પુત્રીને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાડોશી મહિલાઓ છાશવારે મારકૂટ કરતાં હોવાનો બંનેએ આક્ષેપ કર્યો હતો.

રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક રવિરત્ન પાર્ક પાસેના ગોલ્ડન પાર્કમાં રહેતા ઉમંગીબેન વિરલભાઇ કારિયા (ઉ.વ.48) અને તેની પુત્રી ખુશી (ઉ.વ.22)ને મંગળવારે સાંજે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી. ઉમંગીબેને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેના પતિ વિરલભાઇ કારિયા ડેન્ટિસ્ટ છે અને હનુમાનમઢી નજીક તેમની ક્લિનિક આવેલી છે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, પુત્રી ખુશી તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરે છે, પોતે પરિવાર સાથે બારેક વર્ષથી ઉપરોક્ત સ્થળે રહે છે. ગોલ્ડનપાર્કમાં તેમની જ્ઞાતિનું એક જ ઘર હોવાથી કેટલાક પાડોશીઓ તેમની સાથે લાંબા સમયથી માથાકૂટ કરે છે, પુત્ર કે પુત્રી ઘરની બહાર નીકળે તો તેની સાથે ઝઘડા કરે છે, મારકૂટ કરે છે, લાતો મારે છે, મંગળવારે સાંજે પણ સુમીબેન અને નિયતિબેન સહિતનાઓએ ઝઘડો કરી મારકૂટ કરી હતી. આ અંગેનું સીસીટીવી ફૂટેજ પણ તેમણે પોલીસ સમક્ષ આપ્યું હતું. બનાવ અંગે પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *