ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ટેક્નિકલ સર્વેલન્સથી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે પહેલીવાર સુરત પોલીસે એક્સપર્ટ પાસેથી સ્કેચ બનાવડાવ્યા છે. ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ બે માસ્ટર માઈન્ડના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્કેચ હવે પોલીસ સોશિયલ મીડિયામાં મૂકશે, જેથી લોકો શિકાર બનતા બચી શકે અને આરોપીની જાણકારી પણ આપી શકે.
ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ હવે દિવસે ને દિવસે ગંભીર બનાતી જાય છે. ક્યારેક કસ્ટમ અધિકારી, ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે પણ ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે. જેમાં આરોપીઓ લાખો-કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે. ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે. હવે માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે, આ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા બે સ્કેચ જાહેર કરાયા છે.