પારડી નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, બાજુમાંથી પસાર થતાં માતા-પુત્ર દાઝ્યા

શાપર-વેરાવળ પાસેના પારડી ગામે વીજ ટ્રાન્સફોર્મરમાં ધકાડા સાથે આગ ભભૂકી ઊઠી હતી. દરમિયાન બાજુમાંથી પગપાળા નીકળેલા રીબડા ગામના માતા-પુત્ર દાઝી જતાં બન્નેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે શાપર પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ રીબડા ગામે રહેતા બેબીબેન સરમનભાઇ ગીરી (ઉ.34) તેના પુત્ર હયાશ (ઉ.3) સાથે પગપાળા જતા હતા ત્યારે પારડી ગામે શીતળામાતાના મંદિર નજીક નજરઅલીભાઇના ગોડાઉન પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડકા સાથે આગ ભભૂકી ઉઠતા બાજુમાંથી પસાર થતા માતા-પુત્ર દાઝી જતાં બન્નેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે શાપર પોલીસ મથકના જમાદાર મુકેશભાઇ ડાભી સહિતના સ્ટાફે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં બેબીબેન મૂળ બિહારના અને હાલ રીબડા ગામે રહેતા હોવાનું અને પતિ કારખાનામાં મજૂરીકામ કરે છે. પોલીસની વધુ પૂછતાછમાં પારડી ગામે રહેતા મામાજીના ઘેર જતા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી ઉઠતા પિતા-પુત્ર દાઝ્યા હોવાનું બહાર આવ્યું હતું. વારંવાર અકસ્માત થતો હોવા છતાં પીજીવીસીએલ તંત્રે કોઈ ઠોસ કામગીરી ન કરતા ફરીવાર આગ ભભૂકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *