યુનિવર્સિટીના સેમ-3 અને 5ના 45 હજાર વિદ્યાર્થીઓની 19મીથી 127 કેન્દ્રમાં પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમેસ્ટર 3 અને 5ના અંદાજિત 45 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આગામી તારીખ 19 નવેમ્બરથી 127 કેન્દ્રોમાં પ્રારંભ થશે. યુનિવર્સિટીએ આ પરીક્ષાને લઈને સંલગ્ન કોલેજોના આચાર્યોને ઈ-મેલ કરીને પરિપત્ર પણ મોકલી આપ્યો છે. બીએ, બી.કોમ, બીબીએ, બીસીએ સહિત જુદી જુદી 9 ફેકલ્ટીના 37 જેટલા કોર્સના ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની પરીક્ષાનો તારીખ 19 નવેમ્બરને મંગળવારથી પ્રારંભ થશે.

જે પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે ત્યાં ઓબ્ઝર્વર પણ નિયુક્ત કર્યા છે. સ્નાતક અને અનુસ્નાતક કોર્સની પરીક્ષાને લઈને યુનિવર્સિટીએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 19 નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષા 27મી સુધી ચાલશે. સવારના સેશનમાં જે પરીક્ષા લેવાની છે તેનો સમય 10.30થી 1 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે જ્યારે બપોરના સેશનમાં લેવાનારી પરીક્ષાનો સમય 3થી 5.30 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. સ્નાતક કોર્સમાં બીએ, બીએસડબલ્યુ, બીબીએ, બી.કોમ, બીસીએ, બીએસસી, બીએસસી આઈટી, બીએસસી હોમ સાયન્સ, એલએલબી, બીપીએ, બીઆરએસ, બીએ બી.એડ સહિતના કોર્સનો સમાવેશ થાય છે જ્યારે અનુસ્નાતક કોર્સમાં એમએસડબલ્યુ, એમ.એ, એમબીએ, એમ.કોમ, એમએસસી, એમસીએ, એમએસસી હોમસાયન્સ, એલએલએમ, એમઆરએસ સહિતના કોર્સની પરીક્ષા શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *