શહેરમાં રહેતી યુવતીનો ત્રણ વર્ષ પહેલાં પડધરીના મેટોડા ગામના શખ્સ સાથે પરિચય થયા બાદ તે શખ્સે યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. મળવા બોલાવી બોલેરોમાં જ યુવતી પર દુષ્કર્મ આચરી વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી યુવતી પર અનેક વખત શરીરસંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં યુવતીના જે દિવસે લગ્ન હતા તે દિવસે પણ યુવતીના ઘરે જઇને તેના પર હેવાનિયત આચરી હતી. દુષ્કર્મીના ત્રાસથી કંટાળી અંતે યુવતીએ ઘરના પહેલા માળેથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
શહેરમાં રહેતી 25 વર્ષની યુવતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પડધરીના મેટોડા ગામમાં રહેતા વિરમ નાગજી સાનિયાનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2021માં પોતાના પરિવાર સાથે જામનગર પંથકમાં લગ્નમાં ગઇ હતી ત્યારે વિરમ સાનિયા સાથે પરિચય થયો હતો. બાદમાં સોશિયલ મીડિયામાં બંને મિત્ર બન્યા હતા અને મોબાઇલ પર વાતચીત શરૂ કરી હતી.
બે વર્ષ પહેલાં વિરમે વોટ્સએપ કોલ કર્યો હતો અને મળવા માટે રાજકોટ આવવાનું કહેતા યુવતી પોતાના ઘરેથી નીકળીને મળવા ગઇ હતી અને વિરમની બોલેરોમાં બેસી ગઇ હતી. વિરમે થોડેદૂર બોલેરો ઊભી રાખી હતી અને કેફી પીણું પીવડાવતા યુવતી બોલેરોમાં જ બેભાન થઇ ગઇ હતી. થોડા સમય બાદ યુવતી ભાનમાં આવી ત્યારે તેના કપડાં અસ્તવ્યસ્ત હતા અને વિરમે શરીરસંબંધ બાંધી લીધાની જાણ થઇ હતી. આ બાબતે યુવતીએ પરિવારજનોને કહી દેવાનું કહેતા વિરમે દુષ્કર્મનો વીડિયો ઉતારી લીધો છે અને તે ફરતો કરી દઇશ તેવી ધમકી આપતા યુવતીએ આ અંગે કોઇને જાણ કરી નહોતી.
આ ઘટનાના પાંચ મહિના પછી વિરમ ફરીથી રાજકોટ આવ્યો હતો અને યુવતીને બજરંગવાડી પાસેની હોટેલ તેમજ વિરમની મેટડા ખાતેની ઓફિસ અને કારમાં દુષ્કર્મ આચર્યું હતું.