કારતક સુદ અગિયારસને 12 નવેમ્બરના દિવસે દેવદિવાળી છે. જેને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. દેવદિવાળીના દિવસે મંદિરો-હવેલીમાં તેની વિશેષ પૂજા કરીને ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ માંગલિક કાર્યોના શ્રીગણેશ થશે. દેવદિવાળીના દિવસે તુલસીવિવાહ થયા બાદ લગ્ન માટેના મુહૂર્ત શરૂ થતા હોય છે. આ વર્ષનું લગ્નનું પહેલું મુહૂર્ત 16 નવેમ્બરે છે. દેવદિવાળીમાં ભગવાનનું ખાસ પૂજન કરવામાં આવે છે. દેવતાઓની દિવાળી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે. શાલિગ્રામ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. આથી ભગવાનની ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે. દેવદિવાળીએ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શાલિગ્રામની પૂજા કરવી ઉત્તમ ફળદાયી છે. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જોશીએ જણાવ્યું છે.
કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવઊઠી એકાદશીના દિવસે જાગે છે. તે પછી તેમના વિવાહ વૃંદામાંથી તુલસી બનેલ દેવી સાથે થાય છે ત્યાર બાદ ભગવાન વિષ્ણુ વિષ્ણુલોકમાં પાછા જાય છે. દેવતાઓ દીવડાં પ્રગટાવી સ્વાગત કરે છે આથી આ દિવસને દેવોની દિવાળી એટલે કે દેવદિવાળી કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે તથા સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે. મંદિર ઉપરાંત અનેક સોસાયટીમાં પણ તુલસીવિવાહની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે.