રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસૂલાત શાખા દ્વારા નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆતથી જ વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને 1લી એપ્રિલથી 8 નવેમ્બર સુધીમાં કુલ 3,66,424 કરદાતાઓ પાસેથી રૂ.303.10 કરોડના વેરાની ભરપાઇ કરેલ છે. હાલમાં તમામ વોર્ડના રિકવરી સેલ દ્વારા વેરા-વસૂલાતની સઘન કામગીરી ચાલુ છે.
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇના માર્ગદર્શન હેઠળ ચાલતી કાર્યવાહીમાં ગુરૂવારે વોર્ડ નં.7માં કોઠારિયા નાકે આવેલા દશાશ્રીમાળી વણિક મહાજન ટ્રસ્ટની 37 દુકાનો બાકી વેરાની વસૂલાત માટે સીલ કરી દેવામાં આવી હતી. જેના પગલે રૂ.16.55 લાખના ટેક્સની વસૂલાત થઇ હતી. તેવી જ રીતે સાંગણવા ચોકમાં અપ્સરા એજન્સીના માલિક પાસેથી રૂ.1.90 લાખના વેરાની વસૂલાત મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચે કરી હતી. નાગરિકો દ્વારા ઓનલાઇન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in અથવા સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતે ચેક / કેશ મારફત વેરાની ભરપાઈ કરી શકશે.