શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આર્યનગરમાં રહેતા યુવક અને તેના માતા-પિતાએ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે બી-ડિવિઝન પોલીસે તપાસ કરતા યુવકની પત્નીને તેની સાસુ સાથે ચડભડ થઇ હતી જેથી અલગ રહેવાની માંગ સાથે પત્ની તેના માવતરે ચાલી ગઇ હોય આજે પત્નીએ ફોન કરી વાત કરતા પતિએ ઝેર પીવાની વાત કરી ફોન કટ કરી નાખતા પત્ની ઘેર આવી સાસુ, સસરા અને પતિને ઝેરી દવા પીધેલા જોઇ સારવારમાં ખસેડાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું તેમજ પોલીસને અેક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી જે પોલીસે કબજે કરી વિશેષ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંત કબીર રોડ પર આર્યનગરમાં રહેતા ગૌરવ ભરતભાઇ કોટેચા (ઉ.35) તેની માતા સરલાબેન (ઉ.70) પિતા ભરતભાઇ શાંતિલાલ કોટેચા (ઉ.71) એ પોતાના ઘેર સજોડે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ભરતભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પીઠિયા સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ગૌરવભાઇ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે એલઇડીના શોરૂમમાં નોકરી કરતા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોલીસની પૂછતાછમાં ગૌરવભાઇની પત્ની રાધિકાબેનને સાસુ સાથે ધનતેરસના દિવસે સામાન્ય વાતમાં ચડભડ થઇ હતી જેથી તેના માવતર રેસકોર્સ પાર્કમાં જતી રહી હતી.