શહેરમાં આજી ડેમ ચાેકડી નજીક માંડાડુંગર પાસે પાણી ભરેલી ખાણમાંથી મોરબીના વૃદ્ધની લાશ મળી આવતા આજી ડેમ પોલીસે તપાસ કરતા બે દિવસ પૂર્વે ઘરેથી નીકળ્યા બાદ લાપતા વૃદ્ધ મોટા પુત્રના અવસાન બાદ નાનો પુત્ર પણ ઘર છોડી નાસી જતા ઘેરથી નીકળી જઇ વૃદ્ધે આપઘાત કરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડાડુંગર પાસે પાણી ભરેલી ખાણમાં એક પુરુષની લાશ તરતી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ, આજી ડેમ પોલીસે પહોંચી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તેની ઓળખ મેળવવા કાર્યવાહી કરી હતી. જમાદાર હરસુખભાઇ ડાંગર સહિતે તપાસ કરતા મૃતક વૃદ્ધ મોરબીમાં રહેતા દલસુખભાઇ મણિશંકરભાઇ ખંભારી (ઉ.67) હોવાનું અને બે દિવસ પહેલાં ઘેરથી નીકળી ગયા બાદ લાપતા હોય તેના પરિવારે તેની શોધખોળ કરી પોલીસમાં જાણ કરી હતી. જેમાં ફોટા ઉપરથી તેના પરિવારને બોલાવતા પરિવારે વૃદ્ધને ઓળખી બતાવ્યા હતા. પોલીસની પૂછતાછમાં મૃતક વૃદ્ધને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હતી. જેમાં બે પુત્રીઓ મુંબઇ સાસરે હોવાનું અને માેટા પુત્રનું આઠેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. બાદમાં નાનો પુત્ર પણ ઘર છોડી નાસી ગયો હોય. જેથી કેટલાક સમયથી વૃદ્ધ ગુમસૂમ રહેતા હતા. બાદમાં ઘેરથી નીકળી જઇ આ પગલું ભરી લીધાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.