રાજકોટમાં દિવાળીના તહેવાર દરમિયાન સંબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે માનેલી બહેનની 7 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચરીને મામા-ભાણેજના સંબંધો લજવ્યા છે.
આ બનાવ અંગે પીડિતાએ માતાને વાત કરતાં આખો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવતાં યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં જ દિલીપ ચૌહાણ નામના નરાધમને ઝડપી પાડ્યો હતો અને દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એકલતાનો લાભ લઈ બાળકીને હવસનો શિકાર બનાવી એસીપી રાધિકા ભારાઈના જણાવ્યા મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં 7 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. એમાં ફરિયાદીએ માનેલા ભાઈ દિલીપ ચૌહાણે માનેલી બહેનની પુત્રીની એકલતાનો લાભ લઇ 4 નવેમ્બરના રોજ હવસનો શિકાર બનાવી હતી.
આ મામલે ભોગ બનનાર માસૂમે માતાને વાત કરતાં તેના પગ નીચેની જમીન સરકી ગઈ હતી અને યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે તરત જ આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આરોપી તેના ઘરે હોવાનું જાણવા મળતાં કલાકોમાં સકંજામાં લઈ દુષ્કર્મની અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.