ગુલાબનગરમાં યુવકના મકાન પરપથ્થરમારો

શહેરની ભાગોળે કોઠારિયાના ગુલાબનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા સહદેવ ભેરૂભાઇ મકવાણા (ઉ.વ.34)એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એ વિસ્તારમાં રહેતા વિકાસ ઉર્ફે વિકી, વિકીની પત્ની કાજલ, તેના પિતા દશરથસિંહ, પિતરાઇ, વિકીનો મિત્ર લોલિયો ઉર્ફે મામો અને ત્રણ અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.

સહદેવ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે તેમના માતા તેજુબેન તથા સાળો પવન સુભાષભાઇ ખંડેરાવ સહિતના પરિવારજનો ઘરની બહાર બેઠા હતા અને થોડી જ ક્ષણોમાં તેઓ દોડીને ઘરમાં આવી ગયા હતા.

ઘરની બહાર વિકી સહિતના આઠેય શખ્સો ઊભા રહી ગયા હતા તેઓ સહદેવના મકાન પર ઇંટો અને પથ્થરના ઘા કરવા લાગ્યા હતા, ત્યારબાદ ઘરની બહાર પાર્ક કરેલી સહદેવની રિક્ષા અને તેના સાળા પવન ખંડેરાવના બાઇક પર ધોકા-પાઇપ ફટકારી તોડફોડ કરી હતી. રિક્ષામાં રૂ.35 હજારનું અને બાઇકમાં રૂ.15 હજારનું નુકસાન કર્યુ હતું. સહદેવે ફરિયાદમાં કહ્યું હતું કે, તેના સાળા પવન ખંડેરાવને દિવાળીના દિવસે વિકાસ ઉર્ફે વિકી સાથે બોલાચાલી થઇ હતી તેનો ખાર રાખી વિકીએ તેના સાથીદારો સાથે મળી આતંક મચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *