ગુજરાત સરકારની પંડિત દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ રાજકોટ મનપા દ્વારા શહેરમાં અલગ-અલગ 6 સ્થળોએ રેનબસેરા ઉભા કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે આ રેનબસેરામાં એક દિવસ રહેવા માટે શ્રમિકોએ માત્ર રૂ. 5 ભાડું ચૂકવવાનું હોય છે. જેના કારણે અન્ય શહેરોમાંથી બાંધકામ સહિતનાં વ્યવસાય માટે કેટલાક સમય માટે રાજકોટ આવેલા શ્રમિકોને તેનો લાભ મળે છે. જોકે, આ પૈકી અમુક રેનબસેરા યોગ્ય જાળવણીનાં અભાવે ખંડેર બની ચૂક્યા છે. જેમાં બેડીનાકા પાસે આવેલું એક રેનબસેરા સાવ ખખડધજ હાલતમાં જોવા મળ્યું છે. અહીં બારીઓનાં કાચ ફૂટેલા તેમજ છતમાંથી પોપડા ખરતા સળિયા દેખાઈ રહ્યા છે અને હાડપિંજર જેવી હાલત થઈ ગઈ છે. જોકે, આ રેનબસેરાને ડિસમેન્ટલ કરી નવું બનાવવાનું હોવાનો બચાવ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત સરકાર દ્વારા બાંધકામ કામદારો અને મજૂરોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે “શ્રમિક બસેરા યોજના” શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ મનપા દ્વારા બેડીનાકા, ભોમેશ્વર વાડી, હોસ્પિટલ ચોક, મરચા પીઠ, રામનગર આજી વસાહત અને આજીડેમ ચોક ખાતે રેનબસેરા ઉભા કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટનાં બેડીનાકા પાસેના રેનબસેરાની હાલત અત્યંત બિસ્માર તેમજ જર્જરિત બની છે. અને અહીં જરૂરિયાતમંદ લોકો રહી શકે તેવી કોઈપણ વ્યવસ્થા ઉપલબ્ધ નથી.