રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપાનું ફાયર વિભાગ વધુ સતર્ક બન્યું છે. દિવાીળીમાં કોઈપણ દુર્ઘટના બને તો તરત પહોંચી શકાય તે માટેના વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ દિવાળીનાં તહેવારોમાં ફાયર વિભાગનાં કર્મચારીઓની રજાઓ રદ્દ કરવામાં આવી છે. તેમજ શહેરમાં જુદા-જુદા સ્થળોએ ફાયરની ગાડીઓ સ્ટાફ સાથે ખડેપગે રાખવામાં આવી છે.
મનપાનાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર અમિત દવેનાં કહેવા મુજબ, દિવાળીને લઈને રાજકોટ મનપાનાં સાત ફાયર સ્ટેશન અને આઠમું ERC (ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર) પરનો તમામ સ્ટાફ ખડેપગે છે. હાલમાં ફાયર વિભાગમાં 240 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ તમામની રજાઓ અને ઓફ કેન્સલ કરવામાં આવ્યા છે. અમારો તમામ સ્ટાફ દિવાળીમાં રાતભર સતત ખડેપગે રહેશે. ઉપરાંત શહેરનાં કેટલાક મુખ્ય ચોક જેમ કે, ફૂલછાબ ચોક, પરાબજાર, સંતકબીર રોડ, પંચાયત નગર અને યુનિવર્સિટી રોડ તેમજ નાનામૌવા સર્કલ ખાતે ફાયરની ગાડીઓ સ્ટાફ સાથે તૈનાત રાખવામાં આવશે.