ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા એટલે કે ICAI એ બુધવારે સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. સપ્ટેમ્બરમાં આયોજિત ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓમાં હાજર રહેલા ઉમેદવારો icai.nic.in અથવા icai.org ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામો ચકાસી શકે છે. રાજકોટ કેન્દ્રનું સીએ ફાઉન્ડેશનની પરિણામ 19.24% જેટલું રહ્યું છે જ્યારે સીએ ઇન્ટરમીડિએટનું પરિણામ 4.52% જેટલું રહ્યું છે. રાજકોટમાં સીએ ફાઉન્ડેશનમાં 629 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 121 પાસ થયા છે જ્યારે ઇન્ટરમીડિયેટમાં 199 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 9 પાસ થયા છે.
સીએ ઇન્ટરના રાજકોટના પરિણામમાં 326 માર્ક સાથે ધ્રુવીશા કથીરિયા ફર્સ્ટ રહી છે જ્યારે 307 માર્ક સાથે ભર્ગ જોષી બીજા ક્રમે, 306 માર્ક સાથે રાહિલ દોશી ત્રીજા, 302 માર્ક સાથે કરણ ત્રાપશિયા ચોથા ક્રમે રહ્યા છે. જ્યારે પાંચમા ક્રમે ત્રણ વિદ્યાર્થી કશ્યપ પુંભાડિયા, ઋત્વી સેંજલિયા અને રાહુલ ચૌહાણ રહ્યા છે જે ત્રણેયને 310 માર્ક મળ્યા છે. CA ફાઉન્ડેશનની પરીક્ષા 13, 15, 18 અને 20 સપ્ટેમ્બરે અને CA ઈન્ટરમીડિયેટ ગ્રૂપ 1ની પરીક્ષા 12, 14 અને 17 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. CA ઈન્ટર ગ્રૂપ 2ની પરીક્ષા 19, 21 અને 23 સપ્ટેમ્બરે યોજાઈ હતી.
CA ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયામાં ગ્રૂપ-1માં 69227 વિદ્યાર્થીમાંથી 10505 વિદ્યાર્થી પાસ થયા છે એટલે કે 15.17 ટકા પરિણામ આવ્યું છે. ગ્રૂપ-2માં 50,760 વિદ્યાર્થી પૈકી 8117 વિદ્યાર્થી પાસ થયા છે એટલે કે 15.99 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. બંને ગ્રૂપમાં 23,482 વિદ્યાર્થી પૈકી 1330 વિદ્યાર્થી પાસ થયા છે એટલે 5.66 ટકા પરિણામ છે.