જેઈઈ મેઈન્સની પરીક્ષા આપનારા વિદ્યાથીઓને આ વર્ષે સફળતા પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ વાચવો પડશે. કારણ કે, આ વર્ષે જેઈઈ મેઈન્સના પેપરની પેટર્નમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેઈઈ મેઈન્સ-2025ના પેપરમાં વિદ્યાર્થીઓને પ્રશ્નોમાં કોઈ વિકલ્પ નહીં મળે. વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપવા પડશે. અત્યાર સુધી જેઈઈ મેઈન્સમાં સેક્શન બીમાં 10 પ્રશ્નમાંથી કોઇપણ પાંચ પ્રશ્નના જ જવાબ આપવાના હતા, પરંતુ વર્ષ 2025ની પરીક્ષામાં સેક્શન બીમાં હવે પ્રત્યેક વિષયના પાંચ જ પ્રશ્ન પૂછવામાં આવશે જે ન્યૂમેરિક વેલ્યૂ આધારિત હશે.
ઉલ્લેખનીય છે કે, એનટીએ દ્વારા કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાની પેટર્નમાં બદલાવ કર્યો હતો, પરંતુ હવે આ બદલાવને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. હવે જેઈઈ મેઈન્સની પરીક્ષા અગાઉની જૂની પદ્ધતિ પ્રમાણે જ લેવામાં આવશે. નિષ્ણાતો જણાવે છે કે, હવે આ બદલાયેલી પેટર્નને કારણે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ અભ્યાસક્રમ ભણવો પડશે. કારણ કે, પ્રશ્નો ઓછા થવાને કારણે દરેક ટોપિકમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. પરીક્ષામાં સામેલ થવા માટે વિદ્યાર્થીઓ 22 નવેમ્બર સુધી આવેદન કરી શકે છે.