જંક્શન પ્લોટ ખાતે સ્થિત ગીતા વિદ્યાલય-મંદિરે 12થી 18 નવેમ્બર સુધી વિશેષ પૂજા, મંત્ર અનુષ્ઠાન, શિવપૂજન અને અન્નકૂટનું આયોજન કરાયું છે. જેમાં રોજ સવારે 6.00થી 12.00 સુધી પૂજન, અર્ચન અને રુદ્રાભિષેકનો ભક્તો લાભ લઈ શકશે.
ભાવિકો મહાદેવજીની વિશેષ પૂજા કરી શકશે. તેમજ ઓમ નમ: શિવાય મહામંત્રનું અનુષ્ઠાન કરવામાં આવશે. ભાવિકોને મંત્રજાપ માટેની માળા મંદિરેથી જ આપવામાં આવશે. તેમજ નિરાધાર વૃદ્ધો અને ઝૂંપડપટ્ટીમાં ગાંઠિયા અને લાડુનું વિતરણ કરાશે. નવા વર્ષે ગીતા મંદિરમાં બિરાજતા દ્વારકાધીશનો અન્નકૂટ મહોત્સવ યોજાશે. જેના દર્શનનો સમય સવારે 8.00થી 12 અને સાંજે 4.00થી 6.00નો રહેશે. દ્વારકાધીશને વિવિધ જાતના ફરસાણ, મીઠાઇ સહિતનો ભોગ ધરાવવામાં આવશે. આ મંદિરમાં શિવ-પાર્વતી, ગજાનન ગણપતિ મહારાજ, કાર્તિકેયજી એમ શિવ પરિવારના એકસાથે દર્શન થાય છે. સમગ્ર શિવ પરિવારના એકસાથે દર્શન થતા હોય તેવું સૌરાષ્ટ્રનું એકમાત્ર મંદિર છે.મનહરલાલજી મહારાજ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે.