દેશમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે, ત્યાં જ હવે હોટલોને ઉડાવવાની ધમકી મળવાનું શરૂ થયું છે. રાજકોટની 5 સ્ટાર હોટલો સહિત 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો છે. શહેરની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજન્સી સહિતની હોટલને એકસાથે ધમકી ભર્યો મેલ આવ્યો છે. ક્રિક્રેટરો જ્યાં રોકાય છે એ હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ છે.
દિવાળી તહેવાર વચ્ચે આ પ્રકારની ધમકીનો ઇ-મેલ આવતાં પોલીસ પણ દોડતી થઈ છે. જે 10 હોટલને ધમકી મળી એ સિવાયની હોટલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે પોલીસનું રાજકોટની તમામ મોટી હોટલમાં હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે.
ભાભા હોટલના સંચાલક દુષ્યંત મહેતાએ જણાવ્યું કે, અમારા ભાભાના ઇ-મેલ આઈડી પર 12.45એ બોમ્બ ઈન ધ હોટલ અવો મેલ મળ્યો હતો. મેલ મળતાની સાથે જ અમે તુરંત પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમો તુરંત સ્થળો પહોંચી હતી અને ચેકિંગ ચાલું કર્યું હતું. આખી હોટલમાં તપાસ કર્યા પછી સાહેબે એવું કીધું કે, તમે પાછા કાર્યરત થઈ જાવ. અમે કાર્યવાહી પૂર્ણ કરેલી છે.