વીંછિયાના અમરાપુર ગામે રહેતાં 17 વર્ષના યુવકની લાશ સાંજે તેની વાડી નજીક પાણીના ખાડામાંથી મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બપોરે તેને વાડીએ મૂકીને માતા-પિતા ઘરે ગયા હતાં. સાંજ સુધી તે પરત ઘરે ન આવતાં શોધખોળ હાથ ધરી હતી અને તપાસ બાદ ખાડામાંથી જ તેનો મૃતદેહ મળ્યો હતો. આ યુવાનની લાશ મળી ત્યારે કપડા કાંઠા પર પડ્યા હતાં અને તેણે ચપ્પલ પહેરેલા હતાં. આથી યુવક નહાવા જતાં ડૂબી ગયો કે અન્ય કોઇ કારણ છે તે તપાસ બાદ સામે આવશે. યુવકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ છે.
વીંછિયાના અમરાપુરમાં રહેતા અને ધોરણ 11માં અભ્યાસ કરતા હિરેન રાજેશભાઈ મજીઠીયા (ઉ.વ.17)ની લાશ તેની વાડી નજીક ખાડામાંથી મળી હતી. તેના પિતા રાજશેભાઇ છગનભાઇએ કહ્યું હતું કે, હું અને મારા પત્ની ભાવનાબેન તથા દિકરી હિરેન સવારે વાડીએ ગયા હતાં. બપોરે અમારે કામ હોઇ જેથી ઘરે જવા નીકળ્યા હતાં. દિકરો ત્યારે વાડીએ જ હતો. સાંજે અમે બહારથી ઘરે આવ્યા ત્યારે દિકરી સંગીતાને દિકરા હિરેન વિશે પુછતાં તેણે ભાઇ હજુ ઘરે નથી આવ્યો તેમ કહેતાં અમે શોધખોળ કરવા નીકળ્યા હતાં.