ક્રિકેટની દુનિયામાં કિંગ તરીકે જાણીતા વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માએ 9 વર્ષ પહેલા સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, હાલ મારી પાસે ક્રિકેટનુ કોચિંગ લેતા 12 વર્ષનાં રામદેવમાં એ સ્પાર્ક દેખાય છે જે મને અગાઉ વિરાટમાં દેખાયો હતો. આ ખેલાડી એટલે હાલ 21 વર્ષનો રામદેવ આચાર્ય. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ક્રાઈસ્ટ કોલેજમા સાયન્સ ફેકલ્ટીમાં M.Sc. ફિઝિક્સમા અભ્યાસ કરે છે અને તેનું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સિલેક્શન થયું છે. ગુજરાતમાંથી પસંદગી પામનારો તે એકમાત્ર ખેલાડી છે. જો હવે તે આગામી 29 ઓક્ટોબરે ભુવનેશ્વરમાં સિલેક્ટ થશે તો 25 નવેમ્બરથી 6 ડિસેમ્બર વચ્ચે ભારત આવતી ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીઝ ટીમ સામે દ્વિપક્ષીય સિરીઝ રમશે.
દેશભરની યુનિવર્સિટીની ક્રિકેટ ટીમમા પસંદગી માટે કુલ 24 ખેલાડીઓને સિલેક્ટ કરવામા આવ્યા છે. વેસ્ટ ઝોન સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે તેણે પોતાની દાવેદારી મજબૂત કરી છે. જે હવે આગામી 29 ઓક્ટોબરના ભુવનેશ્વર ખાતે સિલેક્શનમા ભાગ લેવા જશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી અનેક ખેલાડીઓ નેશનલ કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી આવ્યા છે. જેમાં હવે ક્રિકેટમાં પણ રાજકોટના ખેલાડીએ નેશનલ કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી છે.