મોરબી રોડ પરના ઓમ પાર્કમાં રહેતા અને સોની બજારમાં સોનીકામ કરતાં રવિ હરસુખભાઇ ભીંડી (ઉ.વ.35)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેશોદના ખીરસરા ઘેડ ગામે રહેતા તેના પિતરાઇ યોગેશ હરગોવિંદ ભીંડી તથા તેની સાથેના અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. રવિ ભીંડીએ ફરિયાદમં જણાવ્યું હતું કે, તેણે હેતલ પ્રફુલભાઇ સોજીત્રા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. દશેક મહિના પૂર્વે તેના મોટાબાપુના દીકરા યોગેશ ભીંડીએ હેતલને સતત મેસેજ કરી તેને હેરાન કરી હતી. જે બાબતે હેતલે પતિને જાણ કરતાં રવિ અને યોગેશ વચ્ચે બોલાચાલી થઇ હતી અને બંને વચ્ચે બોલાવાના પણ સંબંધ રહ્યા નહોતા.
સોમવારે રાત્રીના સવા અગિયાર વાગ્યે યોગેશે અગાઉના ઝઘડામાં સમધાન કરવાના બ્હાને રવિને મોરબી રોડ પર ફાટક નજીક બોલાવ્યો હતો. રવિ તેની પત્ની હેતલ સાથે પહોંચ્યો ત્યારે યોગેશ અન્ય બે અજાણ્યા શખ્સ સાથે ત્યાં હાજર હતો અને તેણે રવિને ધોકાના ઘા ઝીંક્યા હતા. રવિએ ફોન કરતા તેનો મોટોભાઇ વિપુલને બોલાવતાં તે ત્યાં પહોંચતા જ યોગેશ ઉશ્કેરાયો હતો અને તેણે રવિ તથા વિપુલને છરીના ઘા ઝીંક્યા હતા.