ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી વર્ષ 2025માં લેવાનારી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 15 દિવસ વહેલા પરીક્ષા લેવાનું બોર્ડે આયોજન કર્યું છે. બોર્ડે ધોરણ 10 અને 12 સાયન્સના પરીક્ષા ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી દીધી છે જે 22 ઓક્ટોબરથી લઈને 30 નવેમ્બર સુધી ભરી શકાશે. બોર્ડે આ વર્ષે પરીક્ષા ફીમાં રૂ.15થી લઈને 30 જેટલો નજીવો વધારો કર્યો છે જોકે નજીવા ફી વધારાથી વિદ્યાર્થીઓને ખાસ ફરક નહીં પડે, પરંતુ બોર્ડની આવકમાં આશરે 2 કરોડનો વધારો થઇ શકે છે.
બોર્ડે રાજ્યની તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવાયું છે કે, ધોરણ-10 તથા સંસ્કૃત પ્રથમા ફેબ્રુઆરી-2025થી યોજાનાર બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તા.22 ઓક્ટોબરથી 30 નવેમ્બરના રોજ રાત્રીના 12:00 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે. ધોરણ-10ના તમામ પ્રકારના (નિયમિત, રિપીટર, પૃથ્થક, GSOS નિયમિત તથા GSOS રિપીટર) વિદ્યાર્થીઓના ફેબ્રુઆરી -2025ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે. જેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે.