કાશ્મીરમાં નવું આતંકી સંગઠન મળ્યું

પાકિસ્તાન પોતાની હરકતોથી વાજ આવી રહ્યું નથી. ત્યાં બેઠેલા તેના આતંકવાદી કાશ્મીરમાં ભરતી રેકેટ ચલાવી રહ્યા છે તેનો ખુલાસો મંગળવારે થયો હતો. ગુપ્ત માહિતી પછી જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્ટ વિંગે ખીણના 6 જિલ્લામાં એકસાથે 10 જગ્યાએ છાપો માર્યો હતો. શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ, બડગામ, અનંતનાગ અને પુલવામામાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 7 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી 14 મોબાઈલ, લેપટોપ અને વાંધાજનક સામગ્રી મળી આવી હતી.

આ તમામ આતંકી સંગઠન ‘તહરીક લબેક યા મુસ્લિમ’ (ટીએલએમ)ના સભ્યો છે. ટીએલએમ એ પાકિસ્તાનતરફી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલું એક જૂથ છે, જેનું સંચાલન પાકિસ્તાનના આતંકવાદી બાબા હમાસ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાનું કહેવું છે કે ગાંદરબલમાં ગગનગીર સુરંગના કામદારો પર હુમલો કરનારા આતંકવાદીઓએ મોંઢા પર માસ્ક પહેરેલાં હતાં. જોકે, એવું કહી શકાય નહીં કે આ કોઈ નવા આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા 1.16 લાખ કરોડના 51 મેગા પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરમાં હાલમાં રૂ. 1.16 લાખ કરોડના 51 મેગા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ગગનગીરમાં ટનલ કામદારો પર આતંકવાદી હુમલા બાદ બાકીના પ્રોજેક્ટ્સની સુરક્ષા ચર્ચાનો વિષય બની રહી છે. જોકે, આ મેગા પ્રોજેક્ટ્સ બનાવતી કંપનીઓનું કહેવું છે કે હાલમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને ન તો સુરક્ષા સંબંધિત તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *