ચિત્રનગરી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી પર્વ નિમિત્તે રેસકોર્સ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા માટે નામ નોંધણીનો પ્રારંભ થઇ ગયો છે. રંગોળી સ્પર્ધા સ્લોગન ગ્રૂપ અને વ્યક્તિગત એમ બે વિભાગમાં યોજાશે. જેમાં સ્લોગન ગ્રૂપ રંગોળીમાં 26 કલાકાર ભાગ લઈ શકશે. જ્યારે વ્યક્તિગત રંગોળીમાં 500થી વધુ કલાકારો ભાગ લેશે. સ્લોગન ગ્રૂપ રંગોળીમાં રાજકોટની ખાસિયત દર્શાવતા હકારાત્મક સ્લોગન અને તેને સંલગ્ન રંગોળી દોરવાની રહેશે. ત્રણ વ્યક્તિ સાથે મળીને રંગોળી બનાવી શકશે. સ્લોગન રંગોળીમાં 50 ટકા માર્ક રંગોળીના અને 50 ટકા માર્ક સ્લોગનના રહેશે.
જે ઉમેદવારને ભાગ લેવો હોય તેને પોતાનું નામ, ઉંમર અને શહેર લખીને મોબાઈલ નંબર 9228090895 અને સ્લોગન ગ્રૂપ રંગોળી માટે 9624025808 પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી જો 12 કલાક સુધી કલાકારનું નામ વોટ્સએપ ગ્રૂપમાં જોડાય નહિ તો તેની જાણ કરવાની રહેશે. ચિરોડી કલર સિવાયની વસ્તુઓ સ્પર્ધકે લાવવાની રહશે. સ્પર્ધક કોઈ પણ થીમ ઉપર રંગોળી બનાવી શકશે, પરંતુ વાદવિવાદ થાય તેવી રંગોળી બનાવી શકશે નહીં. સ્પર્ધાની તારીખ 29 ઓક્ટોબર મંગળવારના રોજ અને સમય 4.00થી 11.30નો રહેશે. રિપોર્ટિંગ સમય બપોરે 3.45નો રહેશે.