રાજકોટમાં મવડી ઓવરબ્રિજની દીવાલ સાથે સ્કૂટર અથડાયું,યુવતીનું મોત

શહેરમાં મવડી ઓવરબ્રિજ પર રવિવારે બપોરે ડબલસવારી સ્કૂટર બ્રિજની દીવાલ સાથે અથડાતા સ્કૂટરમાં પાછળ બેઠેલી કોલેજિયન યુવતીનું મોત નીપજ્યું હતું જ્યારે તેની સહેલીને ઇજા થઇ હતી. બંને સહેલી ફિલ્મ જોવા જઇ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો.

ગોંડલ રોડ પરના તિરુપતિ બાલાજીપાર્કમાં રહેતી કૃષિ મહેશભાઇ કાકડિયા (ઉ.વ.18) અને હરિ ઘવા રોડ પરના મહેશ્વરીનગરમાં રહેતી ખુશીબા વિજયસિંહ રાણા (ઉ.વ.17) રવિવારે બપોરે સ્કૂટર પર બેસીને ફિલ્મ જોવા જવા નીકળી હતી. બંને સહેલી 150 ફૂટ રિંગ રોડ પર મવડી ઓવરબ્રિજ પર પહોંચી હતી ત્યારે સ્કૂટરચાલક ખુશીબા રાણાએ કોઇ કારણસર કાબૂ ગુમાવ્યો હતો અને સ્કૂટર બ્રિજની દીવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું.

અકસ્માતમાં બંને સહેલી સ્કૂટર પરથી ફંગોળાઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને બંને યુવતીને હોસ્પિટલમાં ખસેડી હતી. જેમાંથી ગંભીર રીતે ઘવાયેલી કૃષિ કાકડિયાનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના જમાદાર ઘનશ્યામસિંહ સહિતની ટીમ દોડી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *