1150 કિલો અખાદ્ય ફ્રૂટ પલ્પ અને વાસી ફ્રૂટનો જથ્થો જ્યૂસ સ્વરૂપે લોકોને પીવડાવાય તે પૂર્વે નાશ કરાયો

રાજકોટના મેરેજ ફંક્શનમાં અખાદ્ય ફ્રૂટ પલ્પ જ્યૂસ સ્વરૂપે પીવા માટે કેટરિંગવાળા મારફત પ્રજાના પેટમાં પધરાવાય તે પૂર્વે મહાનગરપાલિકાની ફૂડશાખાએ ઉપલાકાંઠે આવેલા કોલ્ડ સ્ટોરેજમાં દરોડો પાડીને અખાદ્ય ફ્રૂટ પલ્પ સહિત વાસી ફ્રૂટનો અંદાજે રૂ.3.30 લાખની કિંમતનો 1150 કિલો જથ્થો ઝડપી લીધો હતો અને તેનો સ્થળ પર જ નાશ કરી નાખ્યો હતો.

મનપા દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અખાદ્ય પદાર્થો વેચતા તત્વો પર ધોંસ બોલાવવામાં આવી રહી છે અને તેના અનુસંધાને ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતા સહિતની ટીમે આડો પેડક રોડ પર વલ્લભનગર શેરી નં.1માં આવેલી “રવિરાજ રેફ્રિજરેશન” પેઢી નામના કોલ્ડ સ્ટોરેજમાં દરોડો પાડ્યો હતો.

આ પેઢીના કોલ્ડરૂમમાં વિવિધ બ્રાન્ડના આઈસ્ક્રીમ, મિલ્ક પ્રોડક્ટ, ફ્રૂટ, ફ્રૂટ પલ્પ વગેરનો અલગ-અલગ વેપારીઓની માલિકીનો જથ્થો સંગ્રહ કરતાં હોવાનું માલૂમ પડ્યું હતું. આથી મનપાની ફૂડ વિભાગની ટીમે પેઢીના કોલ્ડ રૂમની તપાસ કરતાં “શિવમ ફ્રૂટ”ના માલિક રમેશભાઈ સિંધવ દ્વારા કેટરિંગના ધંધાર્થીઓ, મીઠાઇના ઉત્પાદકો તથા જ્યૂસ પાર્લરના ધંધાર્થીઓને વેચાણ કરવા માટે સંગ્રહ કરેલ મેંગો પલ્પ- 850 કિલો, સીતાફળ પલ્પ 250 કિલોનો જથ્થો લેબલ વગરનો અનહાઈજીનિક રીતે રાખેલો જોવા મળ્યો હતો. આ ફ્રૂટ પલ્પ ભયંકર રીતે દુર્ગંધયુક્ત જોવા મળતા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાકીદે રમેશભાઇ સિંધવને બોલાવીને પૂછપરછ કરતા તેઓએ આ ફ્રૂટ પલ્પનો જથ્થો અખાદ્ય હોવાનો સ્વીકાર કર્યો હતો. વધુ તપાસમાં અન્ય ફ્રૂટ જેવા કે દ્રાક્ષ તથા દાડમના દાણાનો 50 કિલો વાસી જથ્થો મળી આવ્યો હતો. આ અખાદ્ય ફ્રૂટ પલ્પનો અંદાજિત રૂ.3.30 લાખની કિંમતનો 1150 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો ફરી માનવ આહાર માટે ઉપયોગ ન કરાય તે માટે નાશ કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *