નવરાત્રિના નવ દિવસ અને દશેરાનો દિવસ પણ કોઈપણ શુભ કાર્ય કરવા માટે શુભ માનવામાં આવે છે. ઓટોમોબાઈલ સેક્ટરને નવરાત્રિ જાણે ફળી હોય તો રાજકોટમાં 25 લાખથી વધુની કિંમતની આશરે 50 સહિત કુલ 697 કાર અને 3003 જેટલા ટૂ વ્હિલરની લોકોએ નોરતામાં ખરીદી કરી છે. રાજકોટ આરટીઓએ નવરાત્રિના 9 દિવસ અને દશેરાના દિવસે નોંધણી થયેલા વાહનોના આંકડા જાહેર કર્યા છે જેમાં માત્ર 10 દિવસમાં 4198 જેટલા વાહનો નોંધાયા છે. નોરતામાં નવું વાહન ખરીદવા માટે પડાપડી થતી હોય છે. કેટલાક લોકો મનગમતા વાહનો ખરીદવા માટે બે-બે મહિના અગાઉ એડવાન્સ બુકિંગ કરાવીદેતા હોય છે.
આખા વર્ષમાં નવરાત્રિ દરમિયાન સૌથી વધુ વાહનોના બુકિંગ થતા હોય છે. વાહનની પૂજા કરીને વિજય મુહૂર્તમાં જ ડિલિવરી મળી જાય તેવી વ્યવસ્થા ડીલરો દ્વારા ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો પણ ધમધમી રહી છે માટે માલ-સામાનના વહન માટે ભારે વાહનોની પણ ઘણી જરૂરિયાત રહેતી હોય છે. જેને પગલે આ નવરાત્રિ દરમિયાન રાજકોટ સહિત રાજ્યમાં ટ્રક, ટ્રેક્ટર, મિનિ બસ અને બસ ઉપરાંત મૂવર્સ જેવા ભારે વાહનોની પણ ખાસ્સી ખરીદી થઇ છે. ડમ્પર અને જેસીબી મશીનની પણ મોટા પ્રમાણમાં ખરીદી થઇ હોવાનું જાણવા મળ્યું છે.