શહેરમાં ગાંધીગ્રામ પાસેના શાસ્ત્રીનગરમાં પિતાના ઘેર રહેતી અને જામનગરમાં ગુલાબનગરમાં સાસરું ધરાવતી પરિણીતાને પતિ, જેઠ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી પરિણીતાને લગ્ન જીવન દરમિયાન સંતાન સુખ પ્રાપ્ત નહીં થતાં અંધશ્રધ્ધાળુ સાસુ ભુવા પાસે જવાનું અવાર નવાર કહેતા હતા અને જમવાનું પણ આપતા ન હતા અને કરિયાવર બાબતે પણ મેણા ટોળાં મારતા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરમાં ગુલાબનગરમાં રહેતી અને હાલ માવતરના ઘેર રાજકોટ શાસ્ત્રીનગરમાં રહેતી દર્શનાબેન જયદીપભાઇ કણજારિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે પતિ જયદીપભાઇ રાજેશભાઇ કણજારિયા, જેઠ રાહુલ અને સાસુ હંસાબેનના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન તા.7-2-2022ના રોજ જામનગરમાં રહેતા જયદીપ સાથે થયા હતા. પતિ સી.અેન.સી. કંપનીમાં ઓપરેટર તરીકે નાેકરી કરતા હતા અને સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. લગ્ન બાદ પતિ સાથે રાજકોટ રહેતા હોય ત્રણેક માસ બાદ જેઠ રાહુલભાઇને અકસ્માત થતા અમે જામનગર રહેવા જતા રહેલ. બાદમાં જેઠ અને સાસુ કહેતા તને ઘરકામ તેમજ રસોઇ બનાવતા આવડતું નથી તેમ કહી હેરાન કરતા હોય અને મારે જમવાનું બાકી હોય તો પણ જમવાનું બીજાને આપી દેતા હતા.મારા પતિ પણ તમામ વાત સાસુની માનતા હતા, અને મારી સાથે ક્યાંય પ્રસંગમાં કે સગાંના ઘેર આવતા નહીં અને ભાડાના પૈસા માગું તો પણ આપતા નહીં અને ઝઘડો કરી મારકૂટ કરતા હતા.
દરમિયાન સાસુ અવાર-નવાર ભૂવા પાસે જવાની વાત કરતાં અને અંધશ્રદ્ધામાં ખૂબ માનતા હતા. જેથી કંટાળી જઇ બે વર્ષ પહેલાં પણ માવતરના ઘેર રિસામણે આવી હતી. બાદમાં એક વર્ષ પછી સમાધાન કરી પરત લઇ ગયા હતા. ઘેર આવ્યાના થોડાક દિવસો બાદ પતિ મને પિયરમાં કોઇની સાથે વાત કરવા દેતા નહીં અને પતિ, સાસુ અને જેઠ ઝઘડાઓ કરી મારકૂટ કરતા હતા. બાદમાં છેલ્લા છ માસથી મારા પિતાના ઘેર રિસામણે આવી હતી. તે દરમિયાન મારા સાસુએ મને કહેલ કે હવે પાછી આવતી નહીં અમારે તું જોતી જ નથી.